Home

chalti patti

"મારા ગેરીતાના રાવલ તપોધન ભાઈઓ આ વેબસાઈટમા આપનુ સ્વાગત છે. "

translate in your language /બ્લોગ ની ભાષા બદલો

"મારી પાસે જે વિગત છે તે મેં મુકેલી છે જો એમાં કઈ બદલાવ હોય તો સાચી માહિતી આપીને મદદ કરવી,માહિત માટેનું ફોર્મ અને વિગત માટેનું ફોર્મ ઉપર આપેલું છે. "

માં વારાહી માતાજીનો ઇતિહાસ

ૐ શ્રી  ગણેશાય  નમઃ 
ૐ શ્રી સરસ્વત્યૈ નમઃ 
ૐ શ્રી વારાહી માતાય નમઃ 
ૐ શ્રી મહાકાળી માતાય નમઃ 
ૐ શ્રી નીલકંઠ મહાદેવાય નમઃ 
જય શ્રી વારાહી માતાજીના પરચા તથા વારાહી માતાજી નો મહિમા
માં વારાહી માતાજીનું મંદિર 
પ્રસ્તાવના :
આપણું  ગામ એટલે મેહસાણા  જિલ્લાનું  વિજાપુર તાલુકાનું રઢિયામણુ ગામ એટલે ગેરીતા                  
ગેરીતા ગામ એવું નામ સાંભળતા જ જાણે કે આપણા ગામની દરેક દૈવી શક્તિનો  આપણા શરીરમાં અનેરો સંચાર થઈ હોય અને આપણા ગામની રઢિયામણી  અને આનંદિત છબી  આપણા મન ઉપર છવાઈ જતી હોય આવું આપણુ સુંદર ગામ અને સુંદર નામ એટલે ગેરીતા
  
કહેવાય છે કે  આપણા ગામનું નામ અટકળે આ પ્રમાણે એવું કહેવાય છે કે ગેરો રબારી ના નામ ઉપરથી ગેરીતા  નામ રાખવામાં આવ્યું છે  અત્યારે હાલમાં આપણા 40 ઘર રાવલ ના મકાન ની વાત કરીયે છીએ ત્યાં એ જગ્યાએ રબારીઓના વાડા  હતા અને 

હવે ગામની વાત કરીએ તો દૈવી શક્તિ ના પરચા ની વાત તો વિચારી જ ન શકાય અને વિસરી પણ ના શકાય એમાં વાત કરીએ માં વારાહી માતાજી ની

માં વારાહી માતાજીનો  પ્રાચીન ફોટો અને  મંદિર 
ગેરીતા ગામમાં આવેલું સુંદર અને ભવ્ય એવું માં વારાહી માતાજીનું મંદિર અને માં વારાહી માતાજી ની કૃપા જાણે કે આખા ગામ ઉપર આશીર્વાદ બનીને વરસી રહી હોય એવું કહી શકીએ કે માં વારાહી ના આશીર્વાદ આપણા ગેરીતા ગામ ઉપર હજાર હાથે છે

વિજાપુર થી ૧૫ કિલોમીટરના અંતરે આવેલું ગેરીતા ગામ પામોલ રોડ ઉપરથી ગેરીતા ગામમાં પ્રવેશ કરતા પહેલું જ માં વારાહી માતાજીનું મંદિર આવે છે ગેરીતા ગામની વાત કરીએ તો ગામની અંદર માં વારાહી ના આશીર્વાદ અને કૃપાથી ગામ ની અંદર ચૌહાણ એટલે કે રાજપૂત, તપોધન બ્રાહ્મણ( રાવલ ભાઈઓ ), ઔદિચ્ય બ્રાહ્મણ, નાગર બ્રાહ્મણ ,પટેલ, ઠાકોર ,પ્રજાપતિ, રબારી, તેમજ અન્ય એવી ઘણી જાતિઓ વસવાટ કરે છે
ગેરીતા ગામ આશરે 2500 સુધી 3000 સંખ્યા ની વસ્તી ધરાવે છે અહીં ગામના લોકો માં વારાહી ની કૃપાથી અને પરચા થી સુખી અને આનંદિત છે વારાહી માતાજીના મંદિર સિવાય ગામમાં બીજા પણ દિવ્ય ભવ્ય અને ચમત્કારિક મંદિર આવેલા છે
ગેરીતા ગામના અન્ય પ્રાચીન મંદિરોની મંદિરોની યાદી 
જેમાં શ્રી મહાકાળી માતાજી નું મંદિર, શ્રી નીલકંઠ મહાદેવનું મંદિર, શ્રી શીતળા માતાજી નું મંદિર, શ્રી જોગણી માતાજી નું મંદિર, શ્રી રામજી મંદિર, શ્રી સ્વામિનારાયણ મંદિર ,શ્રી અંબે માં ગરબીમાં ચોક મંદિર, જૈન દેરાસર , શ્રી જહુ માતાજીનું મંદિર ,શ્રી ચેહર માતાજીનું મંદિર ,શ્રી સતી માતાજી નું મંદીર ,શ્રી ગોગ મહારાજનું મંદિર તથા શ્રી હખડી ફોઈ માતાનું મંદિર, ઓલીયા પીર નું મંદિર, રામદેવપીરનું મંદિર એવા ગામના દરેક દૈવી મંદિરોની હાજરી છે આ ગામમાં આવેલા મંદિરો ગેરીતા ગામની પ્રજામાં ધર્મ અને ભક્તિનો ખૂબ જ પ્રભાવ છે એવી આપણને જાણ આપે છે ગામના લોકોમા માં વારાહી ના દર્શન માટે તેમજ પોતાના શ્રદ્ધાના દેવના દર્શન માટે ભક્તિ અને શ્રદ્ધાથી પૂનમ તથા અન્ય વાર-તહેવારે તેમજ ખાસ નવરાત્રિમાં માના દર્શન માટે આવે છે જેમાં બહાર વસવાટ કરતા લોકોનો પણ સમાવેશ થાય છે

માં વારાહી માતાજીનો ઇતિહાસ

હવે આપણે વાત કરીએ માં વારાહી માતાજી ના ઇતિહાસની

આમ તો આપણે વાત કરીએ તો આપણે માના ઇતિહાસને શું જાણી શકવાના હતા આપણી પાસે એવી કોઈ ક્ષમતા જ નથી કે આપણે દેવી શક્તિને જાણી શકીએ ઓળખી શકીએ પણ છતાંય આપણી પાસે રહેલા અટકળ પુરાવાને આધારે મા ના ઇતિહાસ નું વર્ણન રજૂ કરીએ છીએ જે અંદાજિત માં વારાહી માતાજી નો ઇતિહાસ આશરે પાંચસો થી હજાર વર્ષનો જુનો હોઈ શકે છે

કહેવાય છે કે ગેરીતા ગામમાં રહેતા અંદાજિત એ સમયમાં ત્રણ વ્યક્તિઓની હાજરી આવી હતી જેમાં બે રાજપૂત હતા અને એક આપણા રાવલ દેવરામ દાદા હતા (અંદાજિત માહિતી ના આધારે ) આમ ગેરીતા ગામનો વસવાટ શરૂ થયો હતો એ સમયમાં ઉંડીઓળ  વિભાગમાં રહેતા ચૌહાણ અનોપજી હરિસિંગ પરિવારના વડવા ચૌહાણ ચીકાજી (કીકુજી) વાલમજી સાથે ગામના બીજા ત્રણચાર લોકો બળદગાડા લઈને ગેરીતા થી નાદરી ગામે ગયા હતા નાદરી ગામ વડાલી તાલુકામાં આજુબાજુમાં આશરે ત્રણ-ચાર કિલોમીટરના અંતરે આવેલું છે ત્યાં આ ત્રણ ચાર લોકો ભૈણ એટલે કે વાંસ ભરવા ગયા હતા આ ગાડામાં એક કડવા પાટીદાર નું પણ બળદગાડું હતું આલોકો નાદરી ગામ થી વાંસ ભરીને જ્યારે પાછા ફરી રહ્યા હતા ત્યારે આ ગાડામાંથી એક ગાડું ચીકાજી નું હતું તે ગાડા ના બળદ દુબળા અને થાકી ગયેલ હોવાથી આ ગાડાના વજનને બળદ દ્વારા ખેંચી શકાતું ન હતું તથા આ ગાડામાં ઉલાળ પણ પડતો હતો ઉલાળ પડવો એટલે કદાચ એક બાજુ વધારે નમી જવું તેથી ચિકાજી વિચાર કરવા લાગ્યા બીજા બળદ તો ખૂબ આગળ નીકળી ગયેલ હતા એ સમયે એમની નજર રસ્તામાં પડેલા એક પથ્થર પર પડી એ પથ્થર ને લઈને એમણે ગાડામાં મૂકી દીધો ત્યારે ગાડા નો ઉલાળ જતો રહ્યો અને જાણે કે પથ્થરો મૂકવાથી બળદોની અંદર અદૃશ્ય તાકાત આવી ગઈ હોય અને ચમત્કાર થયો હોય એમ આ બળદ પવનવેગે ખૂબ જ ઝડપથી ચાલવા લાગ્યા બીજા ગાડાં જ્યારે અર્ધમા જ પહોંચ્યા હતા ત્યારે ચીકાજીના બળદ ચાલી શકતા ન હતા તે ફક્ત અને ફક્ત આ પથ્થર મૂકવાથી પવન વેગે ચાલી ને સૌથી પહેલાં નાદરી ગામ થી ગેરીતા ગામે પહોંચી ગયા અને આ પથ્થરને તેમણે જમીન પર ઉતારીને મૂકી દીધો સમય વીતતો ગયો આ પથ્થર આવાવળ થવા લાગ્યો સમય વીત્યા પછી આ પથ્થર મૂક્યો હતો એમને સ્વપ્ન આવ્યું માતાજી એમને સ્વપ્ન આપ્યું કે હું તારા વહારે આવી છું અને મારું નામ વેરાઈ છે જે હાલમાં માં વારાહી માતાજી ના નામથી ઓળખાય છે મને ગામ ના ટોડલે જ્યાં ગામ કુવો છે ત્યાં સ્થાન આપો પછી ગામના લોકોએ ભેગા મળીને આ પથ્થરને લઈને ગામકુવા સામે માં વારાહી માતાજીને સ્થાન આપ્યું સ્થાન આપ્યા પછી માં વારાહી માતાજીએ ગામમાં પરચા પૂર્યા

ત્યાર પછી આજે પણ આ ચિકાજીના પરિવારના લોકો માગશર સુદ પાંચમના દિવસે ભેગા મળીને તેમના ખેતરમાં પીપળાના ઝાડ નીચે સમૂહમાં માતાજી ની ઉજવણી કરે છે અને હવન કરે છે અને માતાજીના ગરબા પણ કરવામાં આવે છે

માં વારાહી માતાજી ના મંદિરમાં ચમત્કારિક હનુમાનજીની મૂર્તિ પણ આવેલી છે જેમની પૂજા કરવા માટે સંડેર થી મહારાજ પણ આવતા

એ પછી સમય જતા

માં વારાહી માતાજી ના પરચા

એ સિવાય એવી પણ લોકવાયકા છે કે મહારાષ્ટ્રથી આવેલા એક મહારાજ કે જ પગથી અપંગ હતા તેમને પણ માતાજીના પરચા મળેલા છે અપંગ હોવા છતાં પણ માતાજીના આશીર્વાદ થી સાજા થયેલા છે

બીજી એક લોકવાયકા પ્રમાણે પટેલ ભાઈ ને પણ બે આંખોમાં દ્રષ્ટિની ખામી હતી તો તેમણે માતાજીની શ્રધ્ધા અને ભક્તિ ભાવથી ભક્તિ કરતા તેમને પણ માતાજીએ પરચા પુરી અને દ્રષ્ટિ અર્પણ કરી હતી

અન્ય એક લોકવાયકા પ્રમાણે નાયી પરિવારના એક વ્યક્તિને બોલવામાં તકલીફ હતી એમની પણ માતાજી માટેની શ્રદ્ધાથી અને ભક્તિભાવથી એમની પણ આ તકલીફ માતાજીએ દૂર કરીને પરચા પુરે લા છે આમ માં વારાહી માતાજીના પરચા અને આશીર્વાદથી ગામના લોકો ખૂબ જ ભક્તિભાવ અને શ્રદ્ધાળુ બન્યા અને માતાજીની ભક્તિ કરવા લાગ્યા એ પછી માતાજીના પરચા જોઈએ તો


હાલ માં કૂવો નો ફોટો 
માતાજીની મંદિરની સામે આવેલા ગામના કૂવામાં રવિવાર ,મંગળવાર તેમજ પૂનમના દિવસે લોકો ત્યાં દર્શનાર્થે પણ આવવા લાગ્યા જ્યારે લોકો એ સમયે આ કૂવાના દર્શનાર્થે આવતા ત્યારે કુવામાંથી પાણી ભરતા ત્યારે માં વારાહી માતાજી એ આ કુવામાં પણ પરચા પુરેલા છે

જેવા કે ચુંદડી ,કમળ, શ્રીફળ , ગુલાબના ફૂલ વગેરે રૂપે ગામ લોકોને પરચા આપેલા છે આ પરચા દ્વારા ગામલોકોના મનમાં માતાજી માટેની શ્રદ્ધા માં વધારો થયો અને માના આશીર્વાદ ગામના લોકોને મળતા રહ્યા ચુંદડી ,કમળ, શ્રીફળ, ગુલાબ વગેરે ગામના કુવે ગામના લોકોને દર્શન થાય ત્યારે કહેવાય છે કે ગામની અંદર સમૃદ્ધિનો તેમજ સુખ શાંતિ નો વધારો થતો અને માતાજીના આશીર્વાદ સૌને મળતા

અને એવું પણ કહેવાય છે કે ગામની અંદર જ્યારે રોગચાળો કે કોઈ બીજી તકલીફ આવવાની હોય તો આ કુવાની અંદર કાળું કપડું દેખાતું આ જોઈને ગામ લોકો સમજી જતા કે ગામમાં કોઈ આફતનો આ સંકેત છે પણ માતાજીની ભક્તિ અનંત શ્રદ્ધા અને આશીર્વાદથી આવનારા સંકટ ટળી જતા

હાલમાં ગેરીતા ગામમાં માં વારાહી માતાજીના મંદિરમાં આ કૂવો આજે પણ મોજૂદ છે પણ આ કૂવામાં પાણી નથી તે માટે પણ ગામના અમુક લોકો જવાબદાર છે એવું કહેવાય છે કે માતાજી એ સમયે કહેલું કે આ કૂવાના પાણીમાં ઉપયોગ ફક્ત પીવા માટે કરી શકાય પણ આ કૂવામાં પાણી માટેની ઇલેક્ટ્રિક મોટર જેવા કોઈ સાધનથી પાણીને બહાર ખેંચવું નહીં એવી શરતનો ભંગ થતા આજે આ કૂવામાં પાણી નથી
માતાજીનો પરચાવાળો  પ્રાચીન કૂવો 
એવા પણ પરચાની વાત છે કે જ્યારે શરતનો ભંગ થવાથી કૂવામાં પાણી ઓછું થયું અને ગામના લોકોને ચિંતા થઈ ચિંતા ના નિવારણ માટે ગામના લોકોએ આ વિભાગના નિષ્ણાત લોકોને બોલાવ્યા કે પાણી કેમ ઓછું થયું તો એ સમયે આવેલા લોકોને પણ આ પરીક્ષણ કરતા માતાજીની દૈવી શક્તિનો અનુભવ થયો હતો અને ત્યાર પછી કૂવામાંથી સમુળખૂ પાણી જતું રહ્યું હતું

સમય જતા માતાજીનું મંદિર જૂનું થતું ગયું તેમ-તેમ મંદિરમાં અમુક ભાગ ખંડિત થતાં ગયા ત્યાર પછી ગામના લોકોના શ્રદ્ધા અને ભક્તિભાવથી જૂના મંદિરના નવનિર્માણનો વિચાર આવતા લોકોની સેવા અને સહકારથી માં વારાહી માતાજીનું નવું મંદિર બનાવવામાં આવ્યું


નવા મંદિરની પ્રતિષ્ઠા જેઠ સુદ પાંચમ  તારીખ      3૧ / પ / ૧૯૭૯ માં કરવામાં આવી

 આજના સમયમાં પણ શ્રદ્ધાથી ગામના લોકો કંઈ પણ નવું સારું કાર્ય કરવાનું હોય તો વારાહી માતાજી ને યાદ કરે છે જૂનું કે નવું સાધન લાવ્યા હોય ને તો પણ ગામના લોકો ભક્તિભાવથી માતાજીના મંદિરમાં એ સાધન લઈને માતાજીની ચુંદડી બંધાવવા માટે અચૂક ભક્તિભાવ અને શ્રદ્ધાથી આવે છે

માતાજીની બાધા રાખવાથી દરેક વ્યક્તિની મનોકામનાઓ પૂર્ણ થાય છે કહેવાય છે કે વાંઝીયામેણું ભાગે ત્યારે લોકો સાકરે તોલવાની બાધા રાખે છે બાધાથી થયેલ બાળકને માતાજીના મંદિરે લઈ આવવામાં આવે છે માતાજીના દર્શન કરાવવામાં આવે છે અને સાકર ની પ્રસાદી આપવામાં આવે છે

એ સિવાય માતાજીના મંદિરના પટાંગણમાં દર પુનમ ની રાતે ભજન અને કીર્તન પણ શ્રી મા વારાહી યુવક મંડળ દ્વારા કરાવવામાં આવે છે

માં વારાહી માતાજીની કુવા માંથી નીકળેલ મૂર્તિ 
માં વારાહી માતાજીના ચોકમાં આસો સુદ નવરાત્રિનો મહોત્સવ પણ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે આ ઉત્સવમાં ગામની દરેક વ્યક્તિ શ્રદ્ધાથી ભાગ લે છે ગામની દરેક વ્યક્તિની શ્રદ્ધા હોય એમ માતાજી તેમના કાર્ય પણ કરે છે અને બહારગામથી પણ લોકોમાં વારાહીના દર્શનાર્થે પધારે છે

વારાહી નો માતાજીનો દર વર્ષે જેઠ સુદ પાંચમના દિવસે હવન કરવામાં આવે છે ગામના લોકો શ્રદ્ધા અને ભક્તિથી આ હવનનો લાભ લે છે
નવરાત્રીની આઠમના દિવસે માં વારાહીના પટાંગણમાં ભક્તિ નો લાવો ઉમટી પડે છે અને હવન પણ કરવામાં આવે છે આમ ગેરીતા ગામના લોકો માટે માં વારાહી ના આશીર્વાદ એ જ સર્વસ્વ છે

શરૂઆતમાં વારાહી માતાજીના મંદિરની પૂજા નું કામ આપણા રાવલ પરિવારના જ ભાઈ એવા કાન્તિલાલ પૂંજીરામ રાવલ જે બકાભાઈ ના કાકા થાય એમના દ્વારા થઈ
ત્યાર પછી વારસામાં આ પૂજા નું કાર્ય અમૃતભાઈ રામશંકર રાવલ દ્વારા થયું
ત્યાર બાદ માતાજીની આરતી અને પૂજા નું કાર્ય આપણા રાવલ પરિવારના જ ભાઈ એવા શ્રી રાવલ બકાભાઇ
બકાભાઈ રામશંકર રાવલ  (પૂજારી )
રામશંકર પૂજારી તરીકે કરે છે પૂજારી તરીકે ત્યાં મંદિરમાં નિસ્વાર્થ પોતાની ઉમદા સેવા ને અર્પણ કરે છે અને ગામના લોકોનો સાથ સહકાર મેળવીને માતાજીના આ મંદિરમાં કઈ પણ સારું કાર્ય કરવા માટે ભક્તિભાવ અને શ્રદ્ધાથી ગામના લોકોને જોડે છે

એ સિવાય વાત કરીએ તો આપણા રાવલ ભાઈઓ પણ માં વારાહી માતાજી ની ભક્તિ અને શ્રદ્ધાથી પૂજા કરે છે અને દર્શનાર્થે પધારે છે

આપણા રાવલ ભાઈઓમાં પણ જો પહેલા ખોળે દીકરો આવ્યો હોય અને તે દીકરા ના દર્શનાર્થે માં વારાહી ના સ્થાને દર્શનાર્થે લઈ જવામાં આવે છે અને

નવરાત્રિના નવ દિવસ મા વારાહી માતાજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે ઉપવાસ કરવામાં આવે છેઅને નવમા દિવસે નૈવેદ્ય પણ કરવામાં આવે છે અને કાળીચૌદસના ગરબો પણ કાઢવામાં આવે છે

આ માટેની વધુ વિગત એ નવરાત્રિના નવ દિવસ ઉપવાસ તેના માટેની દરેક દિવસની માહિતી અલગથી રજૂ કરવામાં આવશે
માં વારાહી માતાજીના શક્તિ પીઠ પર પહોંચવા માટેના માર્ગો :

માં વારાહી માતાજીનું મંદિર 
માં વારાહી માતાજીનું મંદિર ગામના બસ સ્ટેન્ડ ની પાસે આવેલું છે માણસા થી વિસનગર જતા વચ્ચે કુકરવાડા આવે છે કુકરવાડા થી ગેરીતા આવવા માટે સાત (7) કિલોમીટર ના અંતર છે પિલવાઇ  થી મહેસાણા હાઈવે વચ્ચે ચડાસણા ગામ આવેલું છે ચડાસણા ગામ થી  ગેરીતા ગામ છ  (6) કિલોમીટરના અંતરે  આવેલું છે વિજાપુર થી વિસનગર જતા પામોલ થી ત્રણ (3) કિલોમીટરના અંતરે ગેરીતા ગામ આવેલું છે આમ ગેરીતા ગામમાં ચારે બાજુથી પ્રવેશ કરી શકાય છે અને જ્યાં માં વારાહી બિરાજમાન છે ત્યાં એવી આ શક્તિના દર્શન પણ કરી શકાય છે
માં વારાહી માતાજી પ્રસન્નોસ્તું


માહિતીના પ્રેરણા સ્ત્રોત

આ માહિતી વારાહી માતાજી ના પૂજારી બકાભાઈ રાવલ ના ચિરંજીવી કિશનભાઇ રાવલ ના માધ્યમથી મળેલ છે
કિશન બકાભાઈ રાવલ

                                                            જો આપની પાસે પણ ઉપયોગી આવી કોઈ માહિતી હોય તો નીચેની લિંક પર ટચ કરીને ફોર્મ ભરીને મોકલી શકો છો  

આપના દ્વારા મોકલેલી માહિતીને વેબસાઈટ પર મુકવામાં આવશે અને પ્રેરણા સ્ત્રોત તરીકે આપણું નામ અને ફોટો પણ મુકાશે 





ગેરીતા રાવલ પેઢીની વડાની યાદી